1. કેળવણીધામ ચારિત્ર્ય ઘડતર, નેતૃત્વ, સમાજભાવના અને યુવાશક્તિના સંર્વાગી વિકાસ અને સ્વાવલંબન માટે તાલીમબદ્ધ વિદ્યાર્થીઓ તૈયાર થાય તેવી નેમ રાખે છે. જેથી સંસ્થા તરફથી યોજાતી તમામ જીવનઘડતરની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીએ સ્કૂલ/કોલેજના સમય અને અભ્યાસને બાધા ન આવે તે રીતે હાજરી આપવાની રહેશે.
2. દરરોજ સાંજે પાંચ મિનિટ માટે યોજાતી પ્રાર્થનાસભામાં ફરજિયાત હાજરી આપવાની રહેશે તેમજ દરરોજ સવારે યોગાસનમાં હાજરી આપવી ફરજિયાત છે.
3. સૌરાષ્ટ્રના કોઈપણ જિલ્લાના વતની લેઉવા પટેલ અમદાવાદની સ્કૂલ/કોલેજમાં એડમિશન મેળવશે તેમને છાત્રાલયમાં ધોરણ-૧૧ ઉપરાંત ટેક્નિકલ એજ્યુકેશન (ડિગ્રી/ ડિપ્લોમા), એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી, આર્કિટેક્ટ, પ્રોફેશનલ અભ્યાસક્રમ, તમામ અન્ડરગ્રેજ્યુએટ, ડીટુડીના વિદ્યાર્થીઓને અને સમસ્ત પાટીદાર સમાજના UPSC/GPSCના તાલીમાર્થીઓને પ્રવેશપરીક્ષા બાદ મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
4. પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીએ પ્રવેશપત્ર સાથે નીચે મુજબનાં પ્રમાણપત્રો રજૂ કરવાં જરૂરી છે.
પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ્સ તેમજ આઈ.ડી. કાર્ડની ઝેરોક્ષ નકલ.
છેલ્લી પરીક્ષા પાસ કર્યાની અસલ માર્કશીટ તેમજ અધિકૃત વ્યક્તિ દ્વારા પ્રમાણિત કરેલ નકલ.
સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ - પોતે પ્રમાણિત કરેલ નકલ.
સ્કૂલ, કોલેજમાં ચાલુ વર્ષની ફી ભર્યાની સહી-સિક્કાવાળી પહોંચની ઝેરોક્ષ
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગવર્નમેન્ટમાં કરેલ અરજીની નકલ
અધૂરી વિગતવાળું પ્રવેશફોર્મ રદ થશે.
5. છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ પોતાનું આઈ.ડી. કાર્ડ રેક્ટર પાસેથી મેળવી લેવાનું રહેશે તેમજ દ્વીતિય ટર્મના અંતે પોતાનું આઈ.ડી. કાર્ડ સંસ્થા છોડતી વખતે ફરજિયાત રેક્ટરને જમા કરાવે નહિ તો રૂપિયા ૫૦/- ભરવાના રહેશે.
6. દરેક વિદ્યાર્થીએ ફાળવેલ રૂમ, બેડ તેમજ ફ્લોર મુજબ જ રહેવાનું રહેશે.
7. સ્કૂલ-કોલેજના વાર્ષિક દિનની ઉજવણી સિવાય કોઈપણ પાર્ટીમાં જવાની પરવાનગી છાત્રાલયમાંથી મળશે નહિ. કોઈપણ વિદ્યાર્થી કોલેજમાં કે સ્કૂલમાંથી બારોબાર સગાસંબંધી અથવા મિત્રના ઘરે જઈ શકશે નહિ. જશે તો વાલી વિના છાત્રાલયમાં પ્રવેશ મળશે નહિ. સંસ્થામાં બર્થ-ડે પાર્ટી કે અન્ય પાર્ટી ઉજવવા દેવામાં આવશે નહિ. આવી પાર્ટી ઉજવતાં જણાશે તો એડમિશન રદ કરવામાં આવશે.
8. કોઈપણ વિદ્યાર્થીની ચાલચલગત સારી ના હોય અથવા અન્ય વિદ્યાર્થીઓને નડતરરૂપ કોઈ વર્તન કરતા હોય તો ગમે ત્યારે પ્રવેશ રદ કરવામાં આવશે.
9. હોસ્ટેલ રૂમમાં કોઈપણ બહારની વ્યક્તિ ગેરકાનૂની રહેતાં પકડાશે તો તે રૂમમાં રહેતા વિદ્યાર્થીઓનો સંયુક્ત ગૂનો ગણી તમામનો પ્રવેશ રદ કરવામાં આવશે.
10. વેકેશન, અન્ય પ્રસંગે અથવા એડમિશન પૂર્ણ થતાં વાલી સાથે ફોન પર જાણ કરી છાત્રાલયના વહીવટ કર્તાની લેખિત મંજૂરી સિવાય છાત્રાલયની બહાર જઈ શકાશે નહિ તેમજ છાત્રાલયમાંથી વિદ્યાર્થીએ પોતાની કોઈપણ વસ્તુ બહાર લઈ જવા માટે કાર્યાલયમાં લેખિત મંજૂરી લેવાની રહેશે.
11. છાત્રાલયના વિદ્યાર્થીઓએ પોતાના રૂમની, ટોઈલેટ/બાથરૂમની સફાઈ જાતે કરવાની રહેશે. રૂમ બહાર રાખવામાં આવેલું પીવાનું પાણી જાતે જ રૂમમાં લઈ જવાનું રહેશે. પોતાના બેડ ઉપર બેડશીટ પાથરેલી હોવી ફરજિયાત છે. પાન-ગુટખા ખાઈ દિવાલ પર થૂંકી દિવાલ ખરાબ કરનાર પાસેથી દિવાલ-સફાઈનો ખર્ચ વસૂલ કરવામાં આવશે અને પ્રવેશ કાયમી રદ કરવામાં આવશે.
12. છાત્રાલયના ફર્નિચર, ઈલેક્ટ્રીક ફિટિંગ્સ, લાઈટ, ટોઈલેટ/બાથરૂમ, બારી-બારણાં, કોમન લાઈટ, પંખા, લિફ્ટ, રસોડાનાં વાસણો અને સંસ્થાનાં અન્ય સાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. જે વિદ્યાર્થી દ્વારા કોઈપણ પ્રકારનું નુકસાન થશે તો તેની પાસેથી નુકસાનની રકમ ડીપોઝિટમાંથી વસૂલ કરવામાં આવશે તેમજ રૂમના ફર્નિચરને તેમનાં સ્થાનેથી ખસેડી શકાશે નહિ. છાત્રાલયની રૂમોની અંદર વિદ્યાર્થીઓએ કોઈપણ પોસ્ટર, ફોટા, છાપાં, ચાર્ટ કે અન્ય લખાણ રૂમના કે સંસ્થાના ફર્નિચર, દિવાલ કે કાચ ઉપર ચોંટાડવા કે લગાડવા નહિ. આવું કરનારને ૨૦૦/- રૂપિયાનો દંડ કરવામાં આવશે.
13. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના જનઆંદોલન, રાજકીય આંદોલન, ધાર્મિક આંદોલન (ચળવળ)માં ભાગ લઈ શકશે નહિ.
14. પાન, ગુટખા, બીડી-સિગારેટ, તમાકું કે અન્ય કોઈપણ નશીલા પ્રકારનું વ્યસન ધરાવતા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહિ. પાન-ગુટખાના વ્યસનવાળો વિદ્યાર્થી જૂઠ્ઠી રજૂઆત કરી પ્રવેશ મેળવશે અને આવી બાબત ધ્યાનમાં આવેથી તુરંત જ પ્રવેશ રદ કરવામાં આવશે. છાત્રાલય બહારથી કોઈપણ પ્રકારનું જંક ફૂડ, ઠંડા પીણાં, બર્થ-ડે કેક તેમજ આઈસ્ક્રીમ લાવવાની સખ્ત મનાઈ છે.
15. રૂમમાં રેડિયો, ટી.વી., સ્પીકર, ટેપ કે અન્ય ખલેલ પહોંચાડતાં સાધનોનો ઉપયોગ કરવો નહિ. જો પકડાશે તો જપ્ત થશે અને રૂપિયા ૧,૦૦૦/- દંડ લેવામાં આવશે. ઉપરાંત ઈલેક્ટ્રીક સાધનો—જેવાં કે ઈલેક્ટ્રીક સગડી, ઈસ્ત્રી, હીટર વગેરે સાધનો વાપરી શકાશે નહિ તથા બંધ રૂમમાં ટ્યૂબલાઈટ, લેમ્પ કે પંખા ચાલુ રાખી શકાશે નહિ. ચાલુ રાખનાર પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.
16. દરેક વિદ્યાર્થીએ સહાધ્યાયીના રૂમમાં જવાની મનાઈ રહેશે. તેમ છતાં જો કોઈ કામ હોય તો સવારે ૭.૦૦ થી ૮.૦૦ અને સાંજે ૭.૦૦ થી ૮.૩૦ કલાક સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. અન્યથા શિસ્તભંગ ગણાશે. લોબીમાં આંટા મારવાની કે ઊભા રહેવાની સખ્ત મનાઈ છે તેમજ દરેક વિદ્યાર્થીએ છાત્રાલયના પરિસરમાં (કેમ્પસમાં) સભ્યતાથી વર્તવું તથા અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરવાની સખ્ત મનાઈ છે, જેનાથી ભવિષ્યમાં ઊભા થતા ઝઘડા ટાળી શકાય.
17. બહારનો નાસ્તો ડાઈનિંગ હોલમાં લાવી શકાશે નહિ. ડાઈનિંગ હોલમાં કિચનની કોઈપણ વસ્તુ (થાળી, વાટકી, ચમચી, ગ્લાસ, ડીશ) વગેરે રૂમમાં કે અન્ય જગ્યાએ લઈ જનાર સામે શિસ્તભંગનાં પગલાં લેવાશે.
18. કુદરતી આફતો, જેવી કે ભૂકંપ, આગ તેમજ અન્ય ઘટનાથી વિદ્યાર્થીની જાનહાનિ થશે તો તેની જવાબદારી સંસ્થાની રહેશે નહિ. વિદ્યાર્થીએ ફાયર ફાઈટિંગની તાલીમ લેવાની રહેશે.
19. મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ ફક્ત શૈક્ષણિક કાર્ય માટે જ કરવાનો રહેશે તેમજ મોબાઈલ કે લેપટોપ બીજાને ડિસ્ટર્બ થાય તેવા મોટા અવાજે વાપરવા નહિ. તેમ કરતાં જણાશે તો તે દંડને પાત્ર ગણાશે.
20. GPSC/UPSC ના તાલીમાર્થીઓ માટે લાઈબ્રેરી, ઈ-લાઈબ્રેરી સવારે ૭.૦૦ થી રાત્રે ૧૧.૦૦ સુધી ખુલ્લી રહેશે. અગર જરૂર પડે વધારી શકાશે તેમજ જિમ્નેશિયમમાં સવારે ૫.૦૦ થી ૮.૦૦ અને સાંજે ૪.૦૦ થી ૮.૦૦ સુધી જ કસરત કરી શકાશે.
21. છાત્રાલયમાં સિવિલ સર્વિસ કેન્દ્ર કાર્યરત્ છે, જેમાં IAS/IPSના વર્ગો ઉપરાંત UPSC અને GPSC વર્ગ-૧, ૨ અને ૩ની પરીક્ષાઓ માટે વર્ગો ચાલે છે. આ વર્ગોની જાણકારી માટે યોજાનાર બેઠકો/મિટિંગોમાં આપની દિશા સ્પષ્ટ બને તે માટે હાજર રહેવું સલાહભર્યું છે. એડમિશન વખતે તેમજ વાલીદિન રાખીએ તે દિવસે વિદ્યાર્થીઓનાં માતા-પિતા, વાલીએ ફરજિયાત સાથે આવવું.
22. સંસ્થામાં રજીસ્ટર્ડ કરેલ વાલીના મોબાઈલ નંબર સિવાય કોઈપણ અન્ય મોબાઈલ નંબર પર રજા માટેની મંજૂરી મળી શકશે નહિ. રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં ફેરફાર વાલીની હાજરી વગર થશે નહિ.
23. છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ કિંમતી દાગીના કે અન્ય કિંમતી ચીજવસ્તુ પહેરવાં નહિ તેમજ રાખવાં નહિ. તેમ છતાં ચોરી થશે તો તે માટે સંસ્થા જવાબદાર રહેશે નહિ. ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ધરાવનાર વિદ્યાર્થીએ પોતાના વ્હીકલની આર.સી. બુક તેમજ ડ્રાઈવિંગ લાયસન્સની ઝેરોક્ષ વહીવટી ઓફિસમાં રેક્ટરને જમા કરાવવાની રહેશે.
24. સત્ર ફી ભર્યા પછી ચાલુ સત્રએ કોઈપણ કારણોસર વિદ્યાર્થી છાત્રાલય છોડીને જતા રહે તો તેની ફી પરત આપવામાં આવશે નહિ.
25. કોઈપણ વિદ્યાર્થી મિત્રનું એડમિશન ગેરશિસ્ત કે અન્ય ગુન્હાસર રદ કરવામાં આવે ત્યારે તેની ફી પરત આપવામાં આવશે નહિ.
26. દરેક વિદ્યાર્થીને પલંગ, બેડ (પથારી), ઓશિકું (પીલો), ટેબલ, રાઈટિંગ ચેર તથા કબાટ આપવામાં આવશે. બેડશીટ તથા પીલો કવર (સેટ-૨) અને ચાદર-૧ સંસ્થામાંથી ચાર્જથી મળશે. દરેક રૂમમાં સિલિંગ ફેન, ટ્યૂબલાઈટ, એક મોટી બાલ્ટી, એક નાની બાલ્ટી, બે ટબલર, ડસ્ટબિન, સૂપડી, સાવરણી, પગલૂછણિયું તેમજ ટોઈલેટ બ્રશ આપવામાં આવશે, જેની સાચવણી રૂમમાં રહેતા વિદ્યાર્થીઓની સામુહિક જવાબદારી રહેશે. દરેક રૂમ વ્યવસ્થિત અને પથારી સુઘડ રાખી સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાનું રહેશે. દર આઠ દિવસે વિદ્યાર્થીએ સ્વખર્ચે બેડશીટ-પીલો કવર ધોવડાવવાનાં રહેશે અથવા જાતે ધોવાનાં રહેશે.
27. સંસ્થા તરફથી રસોડાનું સંચાલન કરવામાં આવે છે. જ્યારે સંસ્થાનું રસોડું ચાલુ હશે ત્યારે તમામ વિદ્યાર્થીઓએ સંસ્થાના રસોડામાં જ જમવાનું રહેશે. ભોજનાલયના સઘળા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ભોજનનો બગાડ કરવો નહિ. ડિશમાં કોઈપણ એંઠવાડ રાખવો નહિ. કોઈપણ સંજોગોમાં ભોજન અંગે કટ આપવામાં આવશે નહિ. છાત્રાલયનો નક્કી કરેલો ભોજનનો સમય - સવારનો નાસ્તો ૬.૦૦ થી ૮.૦૦ કલાક સુધી, બપોરનું ભોજન ૧૧.૦૦ થી ૧.૦૦, સાંજનું ભોજન ૭.૧૫ થી ૮.૪૫ કલાક સુધી જ વ્યવસ્થા કરવામાં આવશે. સમય પૂરો થયા બાદ વ્યવસ્થા થશે નહિ. ભોજનનો સમય અનુકૂળ હોય તેમણે જ પ્રવેશ મેળવવો. સંસ્થાના મેનૂ મુજબ જ રસોઈ બનશે, અલગથી બનશે નહિ.
28. છાત્રાલય છોડતા પહેલાં રૂમ ક્લીઅરન્સ સર્ટીફિકેટ મેળવવું જરૂરી રહેશે.
29. છાત્રાલયના વહીવટી કર્તાઓ, ટ્રસ્ટીશ્રીઓ, સમાજના વડીલો, આગેવાનો, રેક્ટર, કીચન મેનેજર, ડોરકીપર અને અન્ય કર્મચારીઓ સાથે પ્રત્યેક વિદ્યાર્થીએ વિનયપૂર્વક વર્તવાનું રહેશે. એમની સાથે અનિષ્ટ વ્યવહાર કે તકરાર કરનાર વિદ્યાર્થીનો પ્રવેશ વાલીશ્રીને જાણ કર્યા વગર જ રદ કરાશે.
30. છાત્રાલયમાંથી વિદ્યાર્થીનો નિમ્નલિખિત બાબતોમાં પ્રવેશ રદ કરવામાં આવશે :
1. પોતાની સાથે હાનિકારક હથિયાર રાખશે.
2. તોડફોડ અને મારપીટની પ્રવૃત્તિ કેમ્પસમાં અંદર કે બહાર કરશે.
3. છેતરપીંડિના કેસમાં સામેલગિરિ.
4. ગંજીપા, જુગાર રમવા અથવા અન્ય રમતો.
5. સંસ્થાની છબીને જાણી જોઈને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કરશે.
6. સંસ્થાના હિત વિરુદ્ધનું વર્તન વાલી કે વિદ્યાર્થી કરે ત્યારે.
7. સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન વાલી કે વિદ્યાર્થી કરે ત્યારે.
8. વિદ્યાર્થી ઉશ્કેરણીજનક વર્તન કે પ્રવૃત્તિ કરતા જણાય ત્યારે.
9. ખોટી માહિતી રજૂ કરી પ્રવેશ મેળવ્યાનું ધ્યાન પર આવે ત્યારે તેની ફી પરત આપવામાં આવશે નહિ.
31. સંસ્થાના હોદ્દેદારો કે પદાધિકારીઓ ગમે તે સમયે વિદ્યાર્થીના રૂમ કે સરસામાનની તપાસ કરી શકશે અને તપાસ દરમ્યાન પ્રતિબંધિત ચીજ-વસ્તુઓ ધ્યાનમાં આવશે તો તેવા વિદ્યાર્થીઓ દંડને પાત્ર રહેશે.
32. પૂર્વમંજૂરી સિવાય રાત્રે ૯.૦૦ કલાક પછી છાત્રાલયમાંથી બહાર જવા દેવામાં કે રાત્રે ૧૦.૦૦ કલાક પછી બહારથી છાત્રાલયમાં પ્રવેશવા દેવામાં આવશે નહિ. અમદાવાદ શહેરમાં સગાસંબંધીના અને અન્ય વ્યક્તિઓના ઘરે કોઈપણ પ્રસંગ કે કામ માટે રજા આપવામાં આવશે નહિ.
33. વિદ્યાર્થીઓએ તેમજ તાલીમાર્થીઓએ આવવા તથા જવા માટે મુખ્ય પ્રવેશદ્વારનો જ ઉપયોગ કરવો ફરજિયાત છે. જો કોઈ દીવાલ કે ઝાંપો કૂદી અન્ય ખોટી રીતે છાત્રાલયમાં પ્રવેશ કરશે કે બહાર જશે તો તેનું એડમિશન રદ કરવામાં આવશે.
34. છાત્રાલયમાં નવા વિદ્યાર્થીનું એડમિશન મેરિટ પ્રમાણે રહેશે અને છાત્રાલયમાં રહેતા જૂના વિદ્યાર્થીને એ.ટી.કે.ટી, ચઢાવો પાસ કે ૫૫%થી ઓછા માર્ક્સ આવશે તો તેનું એડમિશન રદ કરવામાં આવશે તેમજ એ.ટી.કે.ટી. લાવનાર વિદ્યાર્થીઓને બીજા વર્ષે છાત્રાલયમાં પ્રવેશ મળી શકશે નહિ.
35. દરેક વિદ્યાર્થીએ શાળા-કોલેજમાં સમયપત્રક મુજબ હાજરી આપવી ફરજિયાત છે. તે સિવાયના સમયમાં છાત્રાલયમાં રહીને શાંતિથી અભ્યાસ કરવાનો રહેશે તેમજ દરેક વિદ્યાર્થીએ સંસ્થા દ્વારા યોજાતા રાષ્ટ્રીય તહેવારો તથા અન્ય કાર્યક્રમોની ઉજવણીમાં અચૂક હાજરી આપવાની રહેશે અને ફરજિયાત જોડાઈને સેવા આપવાની રહેશે. શાળા-કોલેજ, ક્લાસ, ટ્યૂશનના સમયે છાત્રાલય બહાર જઈ શકાશે અને સમય પૂરો થાય એટલે વ્યાજબી સમયમાં છાત્રાલય પરત ફરવાનું રહેશે.
36. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી કોઈપણ જગ્યાએથી કે રૂમમાંથી કોઈપણ વસ્તુ બિનઅધિકૃત રીતે લઈ જતા પકડાશે તો તાત્કાલિક એડમિશન રદ કરવામાં આવશે. છાત્રાલયની રૂમમાં રહેતા બધા વિદ્યાર્થીઓએ રૂમની અંદર થયેલા નુકસાન સરખે ભાગે વહેંચી લેવાનું રહેશે તેમજ જે તે માળની લોબીમાં નુકસાન થશે તો તે માળ ઉપર રહેતા તમામ વિદ્યાર્થીઓએ સરખા હિસ્સે નુકસાન ભોગવવાનું રહેશે.
37. શૈક્ષણિક સત્ર પ્રમાણે જે વિદ્યાર્થી સંલગ્ન અભ્યાસ કરતો હોય એવા વિદ્યાર્થીને જ કેળવણીધામ, કુમાર છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે. અભ્યાસક્રમ પૂરો થયે એડમિશન પૂર્ણ થયું ગણાશે અને વિદ્યાર્થીને ફાળવેલો જે તે રૂમ ખાલી કરી દેવો પડશે. છાત્રાલયમાં રહેનાર વિદ્યાર્થી અભ્યાસની સાથે નોકરી (જોબ) કરી શકશે નહિ.
38. છાત્રાલયમાં દાખલ થનાર વિદ્યાર્થીઓને પોતાની કાયમી બિમારી અંગેની જાણ સંસ્થાને અગાઉથી કરવાની રહેશે. સંજોગોવશાત્ બિમારી વિદ્યાર્થીની તાત્કાલિક સારવાર કરવા માટે સંસ્થા કાર્યવાહી કરશે. વિદ્યાર્થીઓએ માંદગીના સંજોગોમાં સંભાળ રાખવા માટે અમદાવાદમાં રહેતા બે સગા-સંબંધીઓના મોબાઈલ નંબર, સરનામું, ઈ-મેલની વિગતો આપવાની રહેશે. બિમારીના સંજોગોમાં વિદ્યાર્થીને રેક્ટરની મંજૂરી મેળવ્યા બાદ વાલી સાથે ઘરે લઈ જવા દેવામાં આવશે.
39. લિફ્ટનો ઉપયોગ સંસ્થાએ નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે જ કરી શકાશે. અન્યથા સીડી (દાદરા)નો ઉપયોગ કરવાનો રહેશે.
40. દરરોજ છાત્રાલયમાં પ્રવેશતી વખતે અને છાત્રાલયમાંથી બહાર જતી વખતે મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાખવામાં આવેલા ફિંગરપ્રિન્ટ મશીનમાં હાજરી પૂરવાની રહેશે.
41. છાત્રાલયમાં અથવા કેમ્પસમાં આઈ.ડી. કાર્ડ પહેરવું ફરજિયાત છે તેમજ ટૂંકાં વસ્ત્રો પહેરીને ફરવાની સખ્ત મનાઈ છે.
42. કોવિડ-૧૯ની સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે. હોસ્ટેલમાં એડમિશન દરમ્યાન કોવિડ-૧૯ના ફાઈનલ ડોઝનું સર્ટીફિકેટ વહીવટી કાર્યાલય ખાતે જમા કરાવવું ફરજિયાત છે. ઉપરાંત હોસ્ટેલ ખાતેથી રજા લઈ બહારગામથી પરત આવ્યે RTPCR સર્ટીફિકેટ જમા કરાવવાનું રહેશે.
43. આપને સંસ્થા તરફથી મળતી સુવિધાઓ સંસ્થાની સમાજભાવના છે, જે અધિકાર ભાવનામાં આવતી નથી. તેની ખાસ નોંધ લેવાની રહેશે.
44. જો વિદ્યાર્થી ઉપરોક્ત નિયમોનો ભંગ કરશે તો સંસ્થા તરફથી શિસ્તભંગનાં પગલાં લેવામાં આવશે, જે વિદ્યાર્થીને બંધનકર્તા રહેશે.
45. આખરી તમામ ર્નિણયો સંસ્થા/મેનેજમેન્ટના રહેશે.